કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. કહીં૦
જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી;
રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. કહીં૦
ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં, ગમાવી એ કમાઈ છે. કહીં૦
ઝખમ દુનિયાં ઝબાનોના, મુસીબત ખોફના ખંજર;
કતલમાંયે કદમબોસી, ઉપર ક્યામત ખુદાઈ છે. કહીં૦
શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;
અગમ ગમની ખરાબીમાં, મજેદારી લુટાઈ છે. કહીં૦
ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;
મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. કહીં૦
ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;
સનમના હાથની છેલી, હકીકતની રફાઈ છે. કહીં૦
સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;
તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. કહી૦
ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;
ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. કહીં૦
હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી;
ન ડૂલ્યા તે મૂઆ એવી, કલામો સખ્ત ગાઈ છે. કહીં૦
સ્રોત
- પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 177)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2002