લોક બે-ચાર ઠીક લાગે છે
Lok Be-Char Thik Lage Chhe
ભગવાન થાવરાણી
Bhagvan Thavrani

લોક બે-ચાર ઠીક લાગે છે,
બાકીના સૌની બીક લાગે છે.
જોજનો દૂર લાગતું સઘળું,
એક બસ તું નજીક લાગે છે.
જોડવા માટે આયખું લાગે,
તોડવામાં ઘડીક લાગે છે.
બીજું શું હોય આપણી વચ્ચે?
માત્ર અક્ષર અઢીક લાગે છે.
જે અનાયાસ મોંથી સરકી પડે,
વાત બસ એ સટીક લાગે છે.
બેઉ વચ્ચેની ઉગ્રતા જોતાં,
મામલો તો જરીક લાગે છે.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ