ajani yaadma koni parovayelu chhe man maru - Ghazals | RekhtaGujarati

અજાણી યાદમાં કોની પરોવાયેલું છે મન મારું

ajani yaadma koni parovayelu chhe man maru

શાદ જામનગરી શાદ જામનગરી
અજાણી યાદમાં કોની પરોવાયેલું છે મન મારું
શાદ જામનગરી

અજાણી યાદમાં કોની પરોવાયેલું છે મન મારું,

ફણીધર નાગસમ લાગે છે સુખ, શૈયા, શયન મારું.

હવામાં ઓગળી જઈને ઉદાસી નોતરી લીધી,

દીવાલો વચ્ચે ભીંસાઈ, હવે મૂંગું રટન મારું.

ફરે છે રોજ પડઘા મૂક દીવાલોને અથડાઈ,

કહું પોતે હું ને સાંભળું છું હું કથન મારું.

મથું છું જાણવા કિંતુ મને કારણ નથી મળતું,

વતનમાં છું અને શોધી રહ્યો છું હું વતન મારું.

હવે બન્ને સમયની ક્રૂર મુઠ્ઠીમાં છે જકડાયાં,

મિલનની ઝંખના, ને વિરહનું છાનું રુદન મારું.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 343)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ