aham ogalwa aawya - Ghazals | RekhtaGujarati

અહમ્ ઓગાળવા આવ્યા

aham ogalwa aawya

અહમ્ ઓગાળવા આવ્યા

કિરણ આવ્યાં તો અંધારાં કરમ ઓગાળવા આવ્યાં,

ઝાકળ શાને પોતાના જનમ ઓગાળવા આવ્યાં!

કહી દીધું ખરેખર સ્પર્શને: આજે ઝૂકીશું નહિ,

છુઈમુઈનાં પર્ણો જો! શરમ ઓગાળવા આવ્યાં.

હતી એક શરત આખી સફરની, સાહજીક બનવું,

સમજ જે લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા.

અમારે દેવ-દેવી, દોરા-ધાગા, સુખ ને દુઃખ છે પ્રેમ,

ખરાં દર્શન કરી દૈર-ઓ-હરમ ઓગાળવા આવ્યા.

અધિકૃત હો ભલે, તો પણ પ્રશસ્તિઓ ગમે છે ક્યાં?

તમારી પાસે આવ્યા તો અહમ્ ઓગાળવા આવ્યા.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 425)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004