agiyar dariya - Ghazals | RekhtaGujarati

અગિયાર દરિયા

agiyar dariya

મનહર મોદી મનહર મોદી
અગિયાર દરિયા
મનહર મોદી

આપણે બે રીતે ભેગા થયા અગિયાર દરિયા

એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા

એકથી તે દસ સુધી ગણવું ઘણું અઘરું પડે છે

સાવ સહેલી વાતમાં બેઠા થયા અગિયાર દરિયા

આંખમાંથી વહે છે કેમ છો એવું કહે છે

સાંભળે જો એક જણ તો દોડતા અગિયાર દરિયા

ફૂલ પહેરી રોજ રાત્રે એક સપનું એમ ડોલે

ઊંઘમાં આકાશ ઓઢી જાગતા અગિયાર દરિયા

બંધ દરવાજા બધે છે બારીઓ કેવળ વસે છે

હું અને તું હોઈએ ના? પૂછતાં અગિયાર દરિયા

આગમાંથી બાગમાંથી રાગમાંથી તાગમાંથી

લાગમાંથી ભાગમાંથી ક્યાં જતા અગિયાર દરિયા?

કૂદીએ તો બૂડીએ તો ઊગીએ તો ઓઢીએ તો

આથમે તો ઓગળે તો કૈમના અગિયાર દરિયા

શબ્દનું તો સાવ એવું પાતળી પડપૂછ જેવું

સાંભળે છે કોઈ અમથું ક્યાં ગયા અગિયાર દરિયા?

ખરું કે એમને આવા કદી જોયા ક્યાં છે?

આજ કેવા ઊછળે છે બોલકા અગિયાર દરિયા!

તે છતાં મારો સમય એમાં ઊગે આથમે છે

જોકે પોતાના નથી કે પારકા અગિયાર દરિયા

ગુર્જરી ગઝલો વિનાની પાંગળી ફિક્કી હજો ના

લો લખી લો માલમિલકત આપણા અગિયાર દરિયા

રસપ્રદ તથ્યો

કવિની નોંધ.: હું અને તું એકલાં અર્થાત્ ૧૧. હું અને તું નજીક, તદ્દન નજીક, અડોઅડ અર્થાત્ આપણે અર્થાત્ ૧૧. હું અર્થાત્ અમે અમારા વગેરે. તું અર્થાત્ તમે તમારાં વગેરે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004