aghri wat chhe - Ghazals | RekhtaGujarati

અઘરી વાત છે

aghri wat chhe

મહેન્દ્ર જોશી મહેન્દ્ર જોશી
અઘરી વાત છે
મહેન્દ્ર જોશી

રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે

કોઈના શરણ જવું એ છેક અઘરી વાત છે

કોઈના ખભે ચઢીને એટલું જોઈ શક્યા

વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે

આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું

મૂળને ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે

ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો

તોય પંખી પાળવું એ છેક અઘરી વાત છે

આંખ દાબી કોઈ વર્ષો બાદ પૂછે કોણ છું?

નામ ત્યારે ધારવું છેક અઘરી વાત છે

આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી

આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે

સ્રોત

  • પુસ્તક : ઈથરના સમુદ્ર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મહેન્દ્ર જોશી
  • પ્રકાશક : દર્શક ફાઉન્ડેશન
  • વર્ષ : 2005