aevo koi dildaar jagatma najar aave - Ghazals | RekhtaGujarati

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે

aevo koi dildaar jagatma najar aave

મરીઝ મરીઝ
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે
મરીઝ

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,

આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,

આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે?

શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઈ?

જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,

કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.

વાતોની કલા લ્યે કોઈ પ્રેમીથી તમારા,

એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,

ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહીં આવે.

છે મારી મુસીબતનું, ‘મરીઝ’, એક આ કારણ,

હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?

સ્રોત

  • પુસ્તક : પુનરાગમન (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : અપૂર્વ આશર
  • પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ
  • વર્ષ : 2017