aevii rite pravaasnii kshan ogalii jashe - Ghazals | RekhtaGujarati

એવી રીતે પ્રવાસની ક્ષણ ઓગળી જશે

aevii rite pravaasnii kshan ogalii jashe

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
એવી રીતે પ્રવાસની ક્ષણ ઓગળી જશે
મનોજ ખંડેરિયા

એવી રીતે પ્રવાસની ક્ષણ ઓગળી જશે

પગલાં બની બનીને ચરણ ઓગળી જશે

રોકો પીગળતો આજ બરફ કોઈપણ રીતે

એમાં નહીં તો તેજ-કિરણ ઓગળી જશે

મારો અંધકાર લીલોછમ બની જશે

શબ્દોનું જ્યારે વાતાવરણ ઓગળી જશે

પથ્થર બનીને રહી જવાની મારી વેદના

કૈં મીણ થઈને તારાં સ્મરણ ઓગળી જશે

સૂરજ ફરીથી મ્હોરશે બંધ પાંપણે

મારી પીળી ઉદાસીનું રણ ઓગળી જશે

સ્રોત

  • પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004