એટલું સત તો ક્યાંથી લાવું હું
aetlu satto kyathi lau hun
હરીશ મીનાશ્રુ
Harish Minashru
એટલું સત તો ક્યાંથી લાવું હું
જુદી જન્નત તો ક્યાંથી લાવું હું
ચબરખી અર્શની તું વાંચી લે
ખુદાનો ખત તો ક્યાંથી લાવું હું
તું ચલાવી લે કોરી વસિયતથી
માલમિલકત તો ક્યાંથી લાવું હું
એમણે અંગૂઠો બતાવ્યો’તો
તો દસ્તખત તો ક્યાંથી લાવું હું
શબ્દ ઝૂકી સ્વયં સલામ કરે
એવી ઇજ્જત તો ક્યાંથી લાવું હું
એમના ઉંબરે સિજ્દો કરવા
સર સલામત તો ક્યાંથી લાવું હું
મઝહબી છું તો શેરિયત લાવું
કહે, શરિયત તો ક્યાંથી લાવું હું
સાવ ચીમળાયલું સફરજન છે
પે...લી લિજ્જત તો ક્યાંથી લાવું હું
મળે જ્યાં ગેરહાજરી ખુદને
એવી સોહબત તો ક્યાંથી લાવું હું
યે હૈં મશહૂર લામકાઁ ઉનકા
ફર્શ ને છત તો ક્યાંથી લાવું છે
એના ખડિયામાં માત્ર ખુશબૂ છે
એ હસ્તપ્રત તો ક્યાંથી લાવું હું
સ્રોત
- પુસ્તક : શબ્દમાં જિનકું ખાસ ખબરાં પડી
- સર્જક : હરીશ મિનાશ્રુ
- પ્રકાશક : લજ્જા પબ્લિકેશન્સ
- વર્ષ : 2011