aetle jagun - Ghazals | RekhtaGujarati

ખભે આ ઘાવ તગતગ છે અને હું એટલે જાગું,

પીડા એની જ રગરગ છે અને હું એટલે જાગું.

તને નીંદર નથી આવી ને તારે ઘેર તું જાગે,

મને એક એવી અટકળ છે અને હું એટલે જાગું.

મને એ ઊંઘતો જોઈ રખે, બીજેય ચાલ્યાં જાય,

ગઝલના શે’ર નિશાચર છે અને હું એટલે જાગું.

નથી હું ઊતર્યો આ ઊંઘ સામે કોઈ ચળવળમાં,

જૂના પંખાની ખટખટ છે અને હું એટલે જાગું.

નહીં, દીવાની ટમટમથી નથી કોઈ ફેર પડતો, પણ

નયનમાં ઊંઘ અગોચર છે અને હું એટલે જાગું.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : ઑગસ્ટ 2009 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી