aeney maaraa jevo anubhav hashe kadaach - Ghazals | RekhtaGujarati

એનેય મારા જેવો અનુભવ હશે કદાચ

aeney maaraa jevo anubhav hashe kadaach

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
એનેય મારા જેવો અનુભવ હશે કદાચ
બરકત વીરાણી 'બેફામ'

એનેય મારા જેવો અનુભવ હશે કદાચ,

રણ આજનું કાલનો અર્ણવ હશે કદાચ.

બે રૂપ જેનાં હોય માનવ હશે કદાચ,

એક સાથમાં દેવ ને દાનવ હશે કદાચ.

ખર્ચી રહ્યો છું મોતી હું પાણીના મૂલમાં,

મારી દરિદ્રતાનો વૈભવ હશે કદાચ.

આંસુ નહીં તો આવે નહીં મારી આંખમાં,

મારી નજરમાં આપનો પાલવ હશે કદાચ.

આજે નથી પસાર થતો મારો દિવસ,

આજે તમારે આંગણે ઉત્સવ હશે કદાચ.

જેને પીધા વિના લથડિયાં હું ખાઉં છું,

તો તમારી આંખનો આસવ હશે કદાચ.

મારા નસીબમાં તો જીવન છે જુદાઈનું,

તારું મિલન ભલેને ભવોભવ હશે કદાચ.

અજવાળું આપનારને અડશો નહીં કદી,

દીવાના રૂપમાંય કોઈ દવ હશે કદાચ.

સારાં–ખરાબ સૌ અહીં માટીનાં રૂપ છે.

જેને કમળ કહો છો કાદવ હશે કદાચ.

કંઈ એમ છેતરે છે તને સૌએ માનવો,

અલ્લાહ, તુંય જાણે કે માનવ હશે કદાચ.

મુજથી જીવનનું યુદ્ધ લડાતું નથી હવે,

બેફામ મારું મોત પરાભવ હશે કદાચ.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ