ae ritthi chhavai gaya chhe khayalma - Ghazals | RekhtaGujarati

એ રીતથી છવાઈ ગયા છે ખયાલમાં

ae ritthi chhavai gaya chhe khayalma

મરીઝ મરીઝ
એ રીતથી છવાઈ ગયા છે ખયાલમાં
મરીઝ

એ રીતથી છવાઈ ગયા છે ખયાલમાં,

આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,

વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગૂ નથી,

નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,

લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,

હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,

વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ 'ના' કહીને સહેજમાં છૂટી ગયા, 'મરીઝ',

કરવી ન જોઈતી'તી ઉતાવળ સવાલમાં.

સ્રોત

  • પુસ્તક : પુનરાગમન (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : અપૂર્વ આશર
  • પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ
  • વર્ષ : 2017