એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા
Ae Rite Gunthai Shvasoni Kadima Baa

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા
Ae Rite Gunthai Shvasoni Kadima Baa
અશોક ચાવડા 'બેદિલ'
Ashok Chavda 'Bedil'

એ રીતે ગૂંથાઈ શ્વાસોની કડીમાં બા,
હું સતત પ્હેરી શકું છું ચામડીમાં બા.
એ જ અચરજ, હોય છે ક્યાં ચાખડીમાં બા?
ખૂબ અથડાઈ છે બાધા-આખડીમાં બા.
બાની પૂંજી બાપુજી સમજી શક્યો છું પણ,
હું કદી જોઈ શક્યો ના ચૂંદડીમાં બા.
એ પછી એકેય અક્ષર ક્યાં લખાયો છે?
મેં જરા શીખી લીધી બારાખડીમાં બા.
ઘાટ આ મારો ઘડાયો એ જ કારણથી,
રોજ વ્હેરાયા કરી છે શારડીમાં બા.
ગામના રસ્તા ઉપર ખુલ્લા પગે ચાલો,
અનુભવાશે ઠેકઠેકાણે ખડીમાં બા.
સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 217)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ