મધુસૂદન પટેલ
Madhusudan Patel
પહેલા, બીજા, ત્રીજા સુખના સરવાળાથી જન્મે અનહદ હાશ અને આ હૈયું જો હરખાય તો એ પણ રજવાડું છે,
અને આપણે કશું બોલીએ નહીં છતાંયે સંતાનો બસ એક નજરમાં સઘળું સમજી જાય તો એ પણ રજવાડું છે.
કેવળ સંતો નહીં, ઘણા સંસારી કહે છે : અરે પેટનો ખાડો સંતોષાય તો એ પણ રજવાડું છે,
દવા, દુવા ને દલીલ-દાવા જેવા શબ્દો સંભવ છે કે ભૂલા પડે પણ ફળિયેથી ફંટાય તો એ પણ રજવાડું છે.
અરે કોઈને જોતાં વેંત જ, જનમ પૂર્વથી થાતી ધકધક ખળખળમાં પલટાય તો એ પણ રજવાડું છે,
આજ વાતને જરા લડાવી લાડ કહું તો, એફોર્ડેબલ ઉજાગરાથી આંખલડી રંગાય તો એ પણ રજવાડું છે.
કંકુ-ચોખા અને ફૂલની પાંખડિયુંના વિચાર પહેલાં, વાટ નિરખતી આંખડિયું પથરાય તો એ પણ રજવાડું છે.
આ યુગમાં પણ કાગ ભરોસે ઉંબર ઊભી, ઊંચી નજરું ફળિયું ઠેકી શેરી લગ લંબાય તો એ પણ રજવાડું છે.
ફળિયે લીલાછમ્મ ઝાડનાં મહા મહિનામાં પાન ખરે ને ચીડ ચડે કે કોણ વાળશે કચરો, એવા યુગમાં વ્હાલા!
ખિસકોલી શા કામ બાબતે કદર થાય ને રામપણાની મહોર જેવું કોઈ રાજી થાય તો એ પણ રજવાડું છે.
ઉદાસીઓના ટોળા વચ્ચે એક મિત્રની યાદ આવતાં કેવળ એનું નામ જપંતા ઉભડક હૈયે ઊભા હોઈએ,
ને પાછળથી એ જ મિત્રનો ધબ્બો પડતાં, અડધીપડધી ગાળ નીકળે, આખી ચા ઢોળાય તો એ પણ રજવાડું છે.
ચાકરધાડું, ચકલી, ફળિયું ને રજવાડું જેવા શબ્દો ર.પા. સા'બના સિમ્પલ, સોબર છતાં સુન્દરમ્ હૃદયકુંજથી,
મધુમિયાંના ફળિયે થોડું પાણી પીને નવા જગતના ચોકે રમતાં, હર દિલમાં પડઘાય તો એ પણ રજવાડું છે.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
