ae koi jaantun nathii - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ કોઈ જાણતું નથી

ae koi jaantun nathii

વિકી ત્રિવેદી વિકી ત્રિવેદી
એ કોઈ જાણતું નથી
વિકી ત્રિવેદી

કોઈ જાણતું નથી થોડાઘણા સિવાય,

કે બીજું કંઈ નડ્યું નથી હોવાપણા સિવાય.

ના જાય વાત બહાર કોઈ આપણા સિવાય,

ઘરમાંથી વસ્તુ નીકળે છે બારણાં સિવાય?

ભગવાન એથી બીજું વધારે બનાવે છે,

સર્જન બધું સહેલું છે માણસપણાં સિવાય.

સોનાનો હોય તોય હવે શું કરી શકો?

ભૂતકાળમાંથી શું લ્યો સંભારણાં સિવાય?

બાપાની ફોટોફ્રેમ કદી સાફ ના કરે,

તો દીકરા જગા નહીં દે આંગણાં સિવાય.

એને બધું આપવા ઝંખ્યાં કરું છું હું,

જે કંઈ બીજું દઈ શક્યા ઓવારણાં સિવાય.

ઘર બેઉં જણ બનાવતે તો ઓર વાત હોત,

જાતે બનાવી શું ભરું ખાલીપણા સિવાય?

એમાં નિરાંતે સૂતો હતો એની યાદ છે,

હે ચોર, ચોરી જા બધું એક પારણા સિવાય.

સત્ય બોલવાના અભિશાપ સાથે હું,

બીજું તો શું બની શકું અળખામણા સિવાય?

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ