ae kajal gheri aankhoma - Ghazals | RekhtaGujarati

એ કાજળ ઘેરી આંખોમાં

ae kajal gheri aankhoma

રુસ્વા મઝલૂમી રુસ્વા મઝલૂમી
એ કાજળ ઘેરી આંખોમાં
રુસ્વા મઝલૂમી

કાજળ ઘેરી આંખોમાં કૈં જાદુમંતર લાગે છે,

જ્યાં દૃષ્ટિ પડે છે તેઓની ત્યાં આગ બરાબર જામે છે.

શું હું પણ સુંદર લાગું છું, શું મન પણ સુંદર લાગે છે!

કોણ પધાર્યું છે આજે, કે સ્વર્ગ સમું ઘર લાગે છે?

નૌકા જો હતી તોફાન હતાં, નૌકા જો ડૂબી ગઈ તો હવે :

મોજાંય બરાબર લાગે છે દરિયો બરાબર લાગે છે.

હું વાત કહું શી અંતરની જ્યાં મૂલ્ય નથી કૈં વચનોનું,

દુનિયાની નજરમાં સચ્ચાઈ પણ જૂઠ સરાસર લાગે છે.

જો કે પધાર્યા છે કિંતુ કૈં એવી રીતે બેઠા છે,

દેખાવ કરે છે દૂર થવા પણ પાસ બરાબર લાગે છે.

સૌંદર્ય તણી વાતો છે સૌંદર્ય તણી વાતો છે,

હા હા તો શું એના મુખમાં ના ના પણ સુંદર લાગે છે!

બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રુસ્વા,

પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ