ae aag maaraa gharnii bijhaavii rahyaan hataan - Ghazals | RekhtaGujarati

એ આગ મારા ઘરની બુઝાવી રહ્યાં હતાં

ae aag maaraa gharnii bijhaavii rahyaan hataan

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
એ આગ મારા ઘરની બુઝાવી રહ્યાં હતાં
રાકેશ હાંસલિયા

એ આગ મારા ઘરની બુઝાવી રહ્યાં હતાં,

મનમાં તો બીજું કૈંક વિચારી રહ્યાં હતાં.

હર એક વાત આજ ટૂંકાવી રહ્યાં હતાં,

મારાથી કૈંક તો એ છુપાવી રહ્યાં હતાં.

કોઈ કશુંય ક્યાં અહીં વાવી રહ્યાં હતાં,

બસ છોડ સાથે ફોટા પડાવી રહ્યાં હતાં.

તસવીર ડૂબતાની અજબ રીતથી લીધી,

જોતાં જ લાગે, હાથ હલાવી રહ્યાં હતાં!

ક્યારેક જેના ઘરમાં બધે પુસ્તકો હતાં;

રદીની એ દુકાન ચલાવી રહ્યાં હતાં.

તબિયત ખરાબ જેના સબબ મારી થઈ હતી,

લ્યો, એ જ હાલ મારો પુછાવી રહ્યાં હતાં.

ક્યાં રોટલો હતો નસીબે તોય ટંકનો,

હર રોજ જેઓ જાત દળાવી રહ્યાં હતાં.

સ્રોત

  • પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : રાકેશ હાંસલિયા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025