jag ne jadwa - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાગ ને જાદવા

jag ne jadwa

મનહર મોદી મનહર મોદી
જાગ ને જાદવા
મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા

આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા

માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના

ભેદ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે

ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું

એટલું જાગવા, જાગને જાદવા

આપણે આપણું હોય એથી વધુ

અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી

આવવા ને જવા, જાગ ને જાદવા

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008