અધૂરી કંઈક ઇચ્છાના લબાચા વેચવા કાઢ્યા
adhuurii kaink ichchhaanaa labaachaa vechvaa kaadhyaa

અધૂરી કંઈક ઇચ્છાના લબાચા વેચવા કાઢ્યા
adhuurii kaink ichchhaanaa labaachaa vechvaa kaadhyaa
બાબુલાલ ચાવડા 'આતુર'
Babulal Chavda 'Aatur'

અધૂરી કંઈક ઇચ્છાના લબાચા વેચવા કાઢ્યા,
અમે ધીરજનાં ફળ કાચાં ને કાચાં વેચવા કાઢ્યાં.
રહસ્યો ગાલની આ લાલિમાના રાખવા અકબંધ,
બધા ભીતરના સણસણતા તમાચા વેચવા કાઢ્યા.
ખીચોખીચ ખોરડામાં ચોતરફ ખડકી ને ખાલીપો,
પછી ધીરે ધીરે ખૂણા ને ખાંચા વેચવા કાઢ્યા.
ફટકિયાંની બજારોમાં અમારી રાંક આંખોએ,
જતનથી સાચવેલાં મોતી સાચાં વેચવા કાઢ્યાં.
બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવાલાયક,
સ્વયંને કર્મણા, મનસા ને વાચા વેચવા કાઢ્યા.



સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : સપ્ટેમ્બર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન