કહ્યું એણે : ગઝલ-બાની સરળ, સુંદર, મઝાની છે,
કહ્યું મેં : એટલા માટે કે દિલની જુબાની છે.
ભલા, મિત્રોથી શું ડરવું! — ક્હ્યું એણે, તો હું બોલ્યો :
મગર સાથે રહી ડરવું મગરથી, સાવધાની છે.
કહ્યું એણે : મરણ નિશ્ચિત છે, તો કાં હોય ડર એનો?
કહ્યું મેં કે મરણની બાદ પણ એક જિંદગાની છે.
પૂછ્યું : આ આંખનાં ઝરણાંનાં ક્યારે પૂર ઓસરશે?
કહ્યું : વરસાદની મોસમ હવે પૂરી થવાની છે.
પૂછ્યું એણે : હવે પાકા ઘડા અહીંયાં નથી બનતા?
કહ્યું મેં : પણ મને તો ટેવ હોડીમાં જવાની છે.
કહે છે એ : હવે તો ઊંઘ પણ પૂરી નથી મળતી,
કહું છું હું : દિવસ મોટો થયો તો રાત નાની છે.
કહ્યું મેં : તારી આંખોમાં તો છે ગહેરાઈ દરિયાની!
પૂછ્યું એણ : તમન્ના શું તમારી ડૂબવાની છે?
કહે છે એ : હવે તો પત્ર લખતાં હાથ ધ્રૂજે છે,
કહું છું હું : ખરે એ ભીંત પડવાની નિશાની છે.
કહે છે એ : વસાવી લો કોઈનો પ્રેમ હૈયામાં,
કહું છું : એ તમારી સલ્તનતની રાજધાની છે.
પૂછે છે એ : સહુ લંડનમાં, ઓળખતા હશે તમને?
કહું છું : મૂર્ખ ના બન, રીત એ સૌ ગામડાની છે.
પૂછે છે : બોલે તેનાં બોર વેચાયે, એ સાચું છે?
કહું છું : જીભને કાબૂમાં રાખે તે જ જ્ઞાની છે.
સ્રોત
- પુસ્તક : ઉદ્દેશ - ફેબ્રુઆરી, 2002 (પૃષ્ઠ ક્રમાંક 247)
- સંપાદક : રમણલાલ જોશી