Achanak Dhulmathi Je Rite Sikko Mali Aave - Ghazals | RekhtaGujarati

અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે

Achanak Dhulmathi Je Rite Sikko Mali Aave

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે
મનોજ ખંડેરિયા

અચાનક ધૂળમાંથી જે રીતે સિક્કો મળી આવે

અજાણી શેરીમાં એમ મને સ્મરણો મળી આવે

હથેળીમાં લખી એક નામ મુઠ્ઠી બંધ કર હળવે

પછી ખોલી જરા જો તો કૂણો તડકો મળી આવે

કરો પ્હેલાં જરા મંથનની પ્રક્રિયા તો સંભવ છે

ધુમાડાઓ ને ધુમ્મસમાંથી પણ રત્નો મળી આવે

પડ્યું છે એક ઠંડું શબ બરફપેટીમાં વરસોથી

હું ખોલી જ્યારે જ્યારે જોઉં તો તણખો મળી આવે

અહીં નવઘણ-કૂવાની જેટલાં ઊંડાં છે માનવ-મન

પરંતુ સાદ દો તો ક્યાંકથી પડઘો મળી આવે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ