જરા હું આંખ મીંચી લઉં
Jara Hu Aankh Minchi Lau
મનહર 'દિલદાર'
Manhar 'Dildar'

મને કોઈ નથી જાતું લઈ એની હવેલીમાં,
મૂંઝારો કેમ ના આવે રે! આની આ જ ડેલીમાં?
કથા કાલે કહી'તી તે તમે આજે નહીં કરશો,
નવીનમાં જે મઝા પડશે નહીં પડશે કહેલીમાં.
મને એ બીક લાગે છે ખચિત ઉજાગરો નડશે,
જરા હું આંખ મીંચી લઉં, જરી રજની વધેલીમાં.
ઘણી વેળા રમી છે એ, રમતમાં શું અરે! રમવું?
ન જાણે રસ પડે છે શું? રમત એવી રમેલીમાં.
ન, જાણે જીવ કેવો છે, આ ચંચળ ચંચરીક જેવો!
ઘડી જીવ જાય પેલીમાં, ઘડી જીવ જાય પેલીમાં.
હતું અભિમાન બહુ સૌને, ગયું અભિમાન ક્યાં સૌનું?
ઢળી ગઈ આખી મહેફિલ, એમની આંખો ઢળેલીમાં.
એ, મારા ભાગ્યની સાકી, સુરા દેજે ગમે તેને,
મને કૈં રસ નથી, એવી સુરા બાકી રહેલીમાં.
જીવનમાં રંગ બસ રૈ જાય એવો રંગ ચાહું છું,
બીજા લાખો ભલે રેલાય રંગો રંગરેલીમાં.
મને 'દિલદાર' તારા સમ, મળ્યું ના, કોઈ તારા સમ,
નિખિલ શોધી વળ્યો સૃષ્ટિ હું બ્રહ્માની ઘડેલીમાં.



સ્રોત
- પુસ્તક : આઠો જામની દિલદારી (દોર બીજો) (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : મનહર 'દિલદાર'
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 1998