aaw ne awine kani rakjhak na kar - Ghazals | RekhtaGujarati

આવ ને આવીને કંઈ રકઝક ન કર

aaw ne awine kani rakjhak na kar

અંકિત ત્રિવેદી અંકિત ત્રિવેદી
આવ ને આવીને કંઈ રકઝક ન કર
અંકિત ત્રિવેદી

આવ ને આવીને કંઈ રકઝક ન કર,

સાવ ખાલી આંખને ભરચક ન કર.

સ્હેજ હડસેલીને અંદર આવજે–,

બારણે પહોંચ્યા પછી ઠક ઠક ન કર.

શું વીતે છે એની સૌને છે ખબર,

આમ તું ઘડિયાળમાં ટકટક ન કર!

મીરાં, નરસૈયો, કબીર બોલી ચૂક્યાં,

તું વળી તારી રૂએ બકબક ન કર.

બે જણા અંધારું શોધે છે ફરી,

પથ્થરો ભેગા કરી ચકમક ન કર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2006 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2009