આવો આવો પ્રતીક્ષાનો સૂરજ
aavo aavo pratiksha no suraj
બરબાદ જૂનાગઢી
Barbad Junagadhi
બરબાદ જૂનાગઢી
Barbad Junagadhi
આવો આવો પ્રતીક્ષાનો સૂરજ,
ડૂબવાની ઘડી થઈ ગઈ છે.
વિરહ ઘેલી હવે વેદના પણ,
લો નથી બેવડી થઈ ગઈ છે.
વાયરે કોણ જાણે ચમનમાં,
આજ સંકેતમાં શું કહ્યું કે,
ફૂલ ભૂલી ગયા ખીલવાનું,
કૈંક વિહ્વળ કળી થઈ ગઈ છે.
તારા પગરવની તો જાણ મુજને,
મોર ગહેકીને આપી ગયા છે
એ ખુશીને ખુશીમાં ખુશીથી,
બ્હાવરી આંખડી થઈ ગઈ છે.
ક્યાં પછી આ સુહાની ઘડીઓ,
આવ! તુજને ગળેથી લગાડું,
શું કરું આ વસંતી તમન્ના
આજ બેબાકળી થઈ ગઈ છે.
તારી અલ્લડ અદાઓના સોગન!
તારા 'બરબાદ'ની આ દશા છે.
સોણલાં - સોણલાં રહી ગયા છે,
યાદ પણ ધૂંધળી થઈ ગઈ છે.
સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 164)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ
