રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
વિચાર નોખો
Vichar Nokho
નીતિન વડગામા
Nitin Vadgama
મારો વિચાર નોખો, તારો વિચાર નોખો.
છે આપણા બધાના મનનો પ્રકાર નોખો.
કોઈક ઊઘડે છે, કોઈક બંધ થાતું,
હરએક આંગણાનો છે આવકાર નોખો.
આ ફૂલ છે કે પથ્થર, નક્કી નથી થતું કૈં,
છે આખરે અહીં તો સૌનો પ્રહાર નોખો.
સામે મળીને સૌએ ઓવારણાં લીધા છે,
પાછળ ફરીને પાછાં કરતાં પ્રચાર નોખો!
કંઈ કેટલાય સૂરજ થઈ જાય સાવ બુઠ્ઠા,
અંદર હજીય ઊગે છે અંધકાર નોખો!
કોઈ કબીર આવી ચાદર હજી વણે છે,
કોઈ કરી રહ્યું છે એકેક તાર નોખો!
સ્રોત
- પુસ્તક : એકાકાર (પૃષ્ઠ ક્રમાંક 48)
- સર્જક : નીતિન વડગામા
- પ્રકાશક : Zen Opus
- વર્ષ : 2024