waraswani ashman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વરસવાની આશમાં

waraswani ashman

મુકબિલ કુરૈશી મુકબિલ કુરૈશી
વરસવાની આશમાં
મુકબિલ કુરૈશી

અટકી રહી છે આંખ દિલાસાની આશમાં,

વાદળ ભમી રહ્યાં છે વરસવાની આશમાં.

ચરણે ધર્યાં સમંદરે અણમોલ મોતીઓ,

ડૂબી ગયો હું જ્યારે કિનારાની આશમાં.

છો આભ પાર જાય, ખોવાઈ ના શકે,

ભટકે છે સાંજે જે ફરી માળાની આશમાં.

પડતાને પાટુ મારવી છે રીત વિશ્વની,

હે દિલ! નજર કર તું દિલાસાની આશમાં.

જાણ્યે-અજાણ્યે એને ગુલાબો મળી ગયાં,

ફરતા હતા જે બાગમાં કાંટાની આશમાં.

પગ રક્તવર્ણા જોઈ ભરોસો કર્યો એણે,

બેઠો નથી કદી હું વિસામાની આશમાં.

સદ્ભાગી ગણતા વિશ્વને 'મુકબિલ' ખબર નથી,

જીવન વિતાવી દીધું મેં હસવાની આશમાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4