- વાતાવરણ રહે
- vaataavaran raahe
સીરતી
Sirati

મુખ પર કોઈના નામનું હરદમ રટણ રહે,
ઉલ્ફતના ગાંડપણમાં સદા શાણપણ રહે.
મંજિલ ભલે મળે ન મળે તેનો ગમ નથી,
મંજિલની શોધમાં જ જીવન આમરણ રહે.
કોઈનાં લોચનોને શિકારે ચઢાવવા,
ભરતું સદાય ચોકડી દિલનું હરણ રહે.
નિશદિન સુરાના માનનો બસ અર્થ એ જ છે,
કાયમ કોઈની યાદનું વાતાવરણ રહે.
આશા ભલે ફળે ન ફળે તેનું દુઃખ નથી,
આશાનું આંખ સામે સદા આવરણ રહે.
જોતો નથી હું ભાગ્યનો ઉદ્ધાર એ વિના,
જીવનને આપનાં જ ચરણનું શરણ રહે.
રોષિત કોઈની આંખનો આતશ બુઝાવવા,
વહેતું હંમેશ આંખથી અશ્રુ-ઝરણ રહે.
જીવવા સમાન તો જ ન બને મારી જિંદગી,
આંખોની સાથ દિલનું જો એકીકરણ રહે.
નિશદિન નવા જ દર્દની લજ્જત મને મળે,
અંતરની સાથ કોઈનું એ આચરણ રહે.
બચવાને આંધીઓના સપાટાથી 'સીરતી'
ઉલ્ફતના ડુંગરોની તળે ઉર-તરણ રહે.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 244)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ