madiranun shun thashe? - Ghazals | RekhtaGujarati

મદિરાનું શું થશે?

madiranun shun thashe?

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
મદિરાનું શું થશે?
બરકત વીરાણી 'બેફામ'

આશાનું, ઇન્તેઝારનું, સપનાનું શું થશે?

તું આવશે તો મારી દુનિયાનું શું થશે?

ઝાંઝવાંથી એક ગતિશીલતા તો છે,

મળશે ઝરણ જો માર્ગમાં પ્યાસાનું શું થશે?

દુઃખ પર હસી તો દઉં છું મગર પ્રશ્ન થાય છે,

જે દોસ્ત દઈ ગયા દિલાસાનું શું થશે?

હું ફિકર કરીને ભટકતો રહ્યો સદા,

મંઝિલ મળી જશે પછી રસ્તાનું શું થશે?

ખીલે છે ફૂલ તોય રુદન છે તુષારનું,

કરમાશે ફૂલ ત્યારે બગીચાનું શું થશે?

ચમકે મારું ભાગ્ય ભલે કિન્તુ ખુદા,

તારા ગગનના કોઈ સિતારાનું શું થશે?

અત્યારથી મારી ફિકરમાં સુકાય છે,

હું જો ડૂબી જઈશ તો દરિયાનું શું થશે?

મયકદાનું એટલું તો અમને ભાન છે,

નહિ આવશું અમે તો મદિરાનું શું થશે?

‘બેફામ’ એટલે તો નિરાંતે ઊંઘી જશું,

જીવવાનું દુઃખ જ્યાં થાય ત્યાં મરવાનું શું થશે?

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022