ek sapanun muj khowai gayun - Ghazals | RekhtaGujarati

એક સપનું મુજ ખોવાઈ ગયું

ek sapanun muj khowai gayun

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
એક સપનું મુજ ખોવાઈ ગયું
કરસનદાસ માણેક

જ્યાં દૃષ્ટિ પડે ત્યાં દારુણ દવ, ને કાન પડે ત્યાં કોલાહલ,

અફસોસ, તમારી ધાંધલમાં, એક સપનું મુજ ખોવાઈ ગયું!

રૈ જિંદગીભર ભ્રમણા સેવી, ને એક ઘડી એવી ઊગી,

કે કંચન છે કે છે કથીર, સ્પષ્ટપણે જોવાઈ ગયું!

દીસતાં'તાં ખેતર અંધારે, તે રણ નીકળ્યાં અંજવાસ થતાં;

હું કોને કહું, હસવા મથતાં હૈયાથી રોવાઈ ગયું!

મેં ટીપું ટીપું સીંચીને સો વરસે માંડ ભરી ગાગર,

ત્યાં એક ધડાકો, ને પળમાં પીયૂષ બધું ઢોળાઈ ગયું!

જ્યાં ઝંખી'તી ઝરમર ઝાંખી, ત્યાં એવી મુસળધારા થૈ,

પ્રીતિનું કોરું પાનેતર શેતાન-કરે ચોળાઈ ગયું!

અમૃત તો હાથે ન્હોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું;

દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું!

નકશો રંગીન હતો રચતો શૃંગોની શિલ્પકલા કેરો,

ત્યાં એક પ્રચંડ ધરાકમ્પે તળ પર્વતનું તોળાઈ ગયું!

હે રામ, ખબર નહિ, કોનો છે શાપ ભયાનક ધરતી પે,

કે હીર હણાયેલું રહ્યું ને પાણી નિચોવાઈ ગયું!

આશા દેતા'તા અવધૂતો કે પ્રાણ પ્રગટશે પળ માંહી,

પળને બદલે યુગ વીતી ગયો, ને પિંજર પણ કહોવાઈ ગયું!

રજની વીતી ને ભોર ભયો ને સૌ કે' સૂર્ય દીસે આઘે-

પણ શું ? તેજ તણું વર્તુલ ઊલટાનું સંકોડાઈ ગયું!

કૌતુક તો અગણિત દીઠાં છે, પણ આવું અચરજ ના દીઠું,

કે આંસુઓ લો'વા જાતાં, લોચન જાતે લો'વાઈ ગયું!

હું ફાટી આંખે શોધી રહ્યો સોનેરી રજકણ સુખડાના,

ત્યાં જીવન કેરા સૂત્રમહીં દુઃખ મોતી બની પ્રોવાઈ ગયું!

કોઈ શત-શત યુગથી નીકળ્યા'તા, નન્દનની શોધમહીં યાત્રી,

અહીં અનાયાસ રમતાં-રમતાં દોજખ જો ને શોધાઈ ગયું!

દુનિયા આખીની દોલતને લૂંટવા હું નીકળ્યો'તો નાદાન,

ને રસ્તામાં એક માંડ રળેલું કાવડિયું ખોવાઈ ગયું!

રે કૈંક ચઢાવ્યા બતરીશા....ને માંડમાંડ વરતાયાં નીર!

હું રાજી થાવા જાતો'તો ત્યાં જીવનસર શોષાઈ ગયું!

માતાની ભક્તિમાં રાતા મદમાતા થૈ નાચ્યા એવા,

કે ધ્યાન રહ્યું ના, પગ નીચે ફૂલ-બાળક રગદોળાઈ ગયું!

ધાર્યું'તું : દાવાનળ વચ્ચે બેસીને લાવા-પાન કરું;

પણ દૂરદૂર પેટાતી દેખી દીવાસળી, દોડાઈ ગયું!

મૂંગાવ્રત છોડીશ ત્યારે હું આશિષ જગત પે ઉતારીશ—

મનમાં તો નિર્ણીત હતું પણ શાપ-વચન બોલાઈ ગયું!

હું ઝેર હૃદયનું હોઠ પરે રમતા સ્મિતથી સંતાડી દઉં,

સંકલ્પ હતો, પણ આંધી ઊઠી ને ઢાકણિયું ખોલાઈ ગયું!

હું પૂછું : પુષ્પો પથ્થરમાં એકાએક શેં પલટાઈ ગયાં?

ને અબીલ-ગુલાલ તણું અર્ચન શેં પંકે ઝબકોળાઈ ગયું?

સમજાતું નથી - સાચું કહું છું માનવનું મન કે પારો,

જ્યાં હોમવું'તું નિજનું મસ્તક ત્યાં પરનું શેં હોમાઈ ગયું!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4