amar ashaa - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કહીં લાખો નિરાશામાં, અમર આશા છુપાઈ છે;

ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. કહીં૦

જુદાઈ જિંદગી ભરની, કરી રો રો બધી કાઢી;

રહી ગઈ વસ્લની આશા, અગર ગરદન કપાઈ છે. કહીં૦

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;

હજારો રાત વાતોમાં, ગમાવી કમાઈ છે. કહીં૦

ઝખમ દુનિયાં ઝબાનોના, મુસીબત ખોફના ખંજર;

કતલમાંયે કદમબોસી, ઉપર ક્યામત ખુદાઈ છે. કહીં૦

શમા પર જાય પરવાના, મરે શીરીં ઉપર ફરહાદ;

અગમ ગમની ખરાબીમાં, મજેદારી લુટાઈ છે. કહીં૦

ફના કરવું ફના થાવું, ફનામાં શહ્ સમાઈ છે;

મરીને જીવવાનો મંત્ર, દિલબરની દુહાઈ છે. કહીં૦

ઝહરનું જામ લે શોધી, તુરત પી લે ખુશીથી તું;

સનમના હાથની છેલી, હકીકતની રફાઈ છે. કહીં૦

સદા દિલના તડપવામાં, સનમની રાહ રોશન છે;

તડપતે તૂટતાં અંદર, ખડી માશૂક સાંઈ છે. કહી૦

ચમનમાં આવીને ઊભો, ગુલો પર આફરીં થઈ તું;

ગુલોના ખારથી બચતાં, બદનગુલને નવાઈ છે. કહીં૦

હજારો ઓલિયા મુરશિદ, ગયા માશૂકમાં ડૂલી;

ડૂલ્યા તે મૂઆ એવી, કલામો સખ્ત ગાઈ છે. કહીં૦

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002