aapni rahem - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપની રહેમ

aapni rahem

કલાપી કલાપી
આપની રહેમ
કલાપી

મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો−શી રહમ!

માગી ગુલામી આપની, બખ્શી મહોબત−શી રહમ!

આવ્યો અહીં છે દોસ્તદારીનો લઈ દાવો સદા,

બોસા દઈ ગાલે જગાડો નીંદમાંથી રહમ.

એવી કદમબોસી કરીને કાં લજાવો રોજરોજ?

છે દિલ્લગી પ્યારી મગર ક્યાં હું અને ક્યાં રહમ?

મેંદી બનાવી આપ માટે, તે લગાવો છો મને,

શાને જબરદસ્તી કરે, પેર ધોવાને રહમ?

આપને જોઈ લજાતાં બાગના મારાં ગુલો;

જે ખૂંચતાં કદમે ચડાવે તે શિરે માને રહમ.

હું ચૂમવા જાતો કદમ, ત્યાં આપ આવો ભેટવા,

ગુસ્સો કરું છું, આખરે તો આપની હસતી રહમ.

ના પેર ચૂમ્યા આપના, ના પેરમાં લોટ્યો જરા;

પૂરી મુરાદો તો થવા દો, માનશું તે યે રહમ.

ના માનતા તો ના કહું, જે જે બનાવો તે બનું;

તોયે કદમના ચાર બોસા આપશે શું ના રહમ?

હું જેમ ઘટતો ગયો, આપે બઢાવ્યો તેમ તેમ;

જ્યાં જ્યાં પડું ત્યાં ઝીલવા હાજર ખડી છે રહમ.

મારો સિતારો જોઈ તીખા બન્યા છે દુશ્મનો;

ગાફેલ છું હું બન્યો, આપની જાણી રહમ.

યારી છૂપે આપની, છાની મહોબત ના રહેઃ

જાણી ગઈ આલમ બધી, તે ના જવા દેજો રહમ.

ચડાવી છે મૂક્યો આપનો આપે ગુલામ,

તે મહેરબાની જિરવાયે એટલી માગું રહમ.

જ્યાં જ્યાં ચડાવો ત્યાં ચડું છું હાથ હાથે લેઈને,

હાથ છૂટી જવાને દમબદમ હોજો રહમ.

નીરની સાથે ચડે છે નીરનાં ખીલી ફૂલો;

ના ઊતરતું નીર સાથે, નીરને છાજે રહમ.

લાખ ગુનાઓમાં છતાં છું આપનો ને આપથી;

લાજે જબાં, માગું છતાં–આબાદ હોજો રહમ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942