આપ આ રફ્તારને તલ્લાક, ‘લ્યા અડસઠ થયાં
aap aa raftaarne tallaak, 'lyaan adsath thayaan
ચિંતન પરીખ
Chintan Parikh
ચિંતન પરીખ
Chintan Parikh
આપ આ રફ્તારને તલ્લાક, ‘લ્યા અડસઠ થયાં
પાનખરમાં હોય કોની ધાક? ‘લ્યા અડસઠ થયાં
ક્યાં ફસાતો જાય છે, અભિમન્યુની માફક હજી
ચેત જલ્દી, છે સમય ચબરાક, ‘લ્યા અડસઠ થયાં
જાળથી છૂટી, ઘણો ઘૂમ્યો ભમરડો તાનમાં
બસ હવે પૂરો થયો છે ચાક, ‘લ્યા અડસઠ થયાં
દોસ્ત, આ સાફલ્ય તો આભાસ છે મનમાં નર્યો
ક્યાં સુધી ખાઈશ તું લપડાક, ‘લ્યા અડસઠ થયાં
હક વિનાનું ના મળ્યું, જે પણ મળ્યું, હકથી મળ્યું
ભાગ્યનો ના કાઢ અમથો વાંક, ‘લ્યા અડસઠ થયાં
આભમાં સર્વત્ર જો લાગે ગ્રહણ ખગ્રાસ, તો
સૂર્ય સામે, આંખ થોડી ઢાંક, ‘લ્યા અડસઠ થયાં
શેતરંજી આખરે, સંકેલવાનો છે વખત
દૂરથી આવી રહી છે હાક, ‘લ્યા અડસઠ થયાં
શૂન્યને તું શૂન્ય સાથે, ક્યાં ગુણે છે ક્યારનો
ગોખ પાછો એકડાનો આંક, ‘લ્યા અડસઠ થયાં
કોણ સમજાવે તને, શું થાય છે અડસઠ થયે
હોય છે, થાક્યા વિનાનો થાક, ‘લ્યા અડસઠ થયાં
શોધવો મુશ્કેલ છે, અંધારમાં અજવાસને
દૂર છે, પણ શોધ એને ક્યાંક, ‘લ્યા અડસઠ થયાં
સ્રોત
- પુસ્તક : ધૂંધળા સ્મરણપટ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સર્જક : ચિંતન પરીખ
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2026
