wihartan na awaDyun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિહરતાં ન આવડ્યું

wihartan na awaDyun

કિસ્મત કુરેશી કિસ્મત કુરેશી
વિહરતાં ન આવડ્યું
કિસ્મત કુરેશી

મન-હંસલા! પરખ તને કરતાં આવડ્યું,

ચારો વિચાર-મોતીનો ચરતાં આવડ્યું.

જગથી જતાં-જતાંય ગઈ સ્વર્ગ ઝંખતી,

સૃષ્ટિ ઉપર દૃષ્ટિને ઠરતાં આવડ્યું.

કાજળથી લાલી ગાલની ખરડી ગયાં સદા,

અશ્રુને ભાલ પર થઈ સરતાં આવડ્યું.

રત્નોને આવવું પડ્યું પુષ્પોને સૂંઘવા,

સૌરભને અબ્ધિ-હૈયે ઊતરતાં આવડ્યું.

ધાર્યું જો હોત, ચંદ્ર! તમે દેત ખેરવી,

સંપીને તારલાઓને ખરતાં આવડ્યું.

એને ડુબાડવામાં સુકાનીનો હાથ છે,

કઈ જીભે કહું કે નાવને તરતાં આવડ્યું.

ચિંતન કરી હું ચાલ્યો, ચાલીને ચિંતવ્યું,

મસ્તક ઉપર કદમ કદી ધરતાં આવડ્યું.

વાગ્યાં અમારે હૈયે નકી હાથનાં કર્યાં,

જીવનમાં આગ ચાંપી ઊગરતાં આવડ્યું.

ફળ કેવું પામ્યો ફૂલ કચડવાની ટેવનું,

કંટકના હૈયે ડગ ભરતાં આવડ્યું.

બે આંખ લાલ થઈ થઈ ત્યાં રડી પડી,

'કિસ્મત'ની લાગણીને વીફરતાં આવડ્યું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 76)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4