આંખો ભરાઈ જાશે
aankho bharai jaashe
અગન રાજ્યગુરુ
Agan Rajyaguru

કોને ખબર છે ક્યારે? તારી જુદાઈ જાશે,
લાગે છે વૃક્ષનાં સૌ પર્ણો ગણાઈ જાશે.
એવાં વિચારે મારા છે શ્વાસ શ્વાસ રણઝણ,
એ આવશે ને પળમાં સઘળે છવાઈ જાશે!
એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઈ જાશે!
છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઈ જાશે!
તો પણ મને છે આશા કાગળની નાવ પાસે,
જાણું છું મેઘ વધતાં હમણાં તણાઈ જાશે.
તારા વિરહની પીડા એવી હદે વધી છે,
કે બોલવા જશું તો ગઝલો ગવાઈ જાશે.
મારા જીવન વિશે કૈં પૂછો નહીં તો સારું,
બાકી ‘અગન’ તમારી આંખો ભરાઈ જાશે.



સ્રોત
- પુસ્તક : તમારી રાહમાં (પૃષ્ઠ ક્રમાંક 62)
- સર્જક : અગન રાજ્યગુરુ
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024