aankh naa miinchaay to kheje mane - Ghazals | RekhtaGujarati

આંખ ના મીંચાય તો ક્હેજે મને

aankh naa miinchaay to kheje mane

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
આંખ ના મીંચાય તો ક્હેજે મને
ખલીલ ધનતેજવી

આંખ ના મીંચાય તો ક્હેજે મને,

ઊંઘ વંઠી જાય તો ક્હેજે મને.

શબ્દનો સર્જાય છે દરિયો હવે,

ચાંચ ના બોળાય તો ક્હેજે મને.

શુધ્ધ ગુજરાતીમાં સમજાવું છું હું,

તોય ના સમજાય તો ક્હેજે મને.

દુશ્મનો તો પળમાં પરખાઇ જશે,

દોસ્તો પરખાય તો ક્હેજે મને.

વૃક્ષ ઝંઝાવાત નહિ ઝીલી શકે,

તરણું ઊખડી જાય તો ક્હેજે મને.

જિન્દગી! તારાથી હું થાક્યો નથી,

તું જો થાકી જાય તો ક્હેજે મને.

આખરે પુસ્તક છપાયું તો ખરું,

પણ હવે વેચાય તો ક્હેજે મને.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2000