આંગણું, પરસાળ ને ઉંબર હતાં
aanganu parsal ne umbar hata
સુરેન ઠાકર 'મેહુલ'
Suren Thakar 'Mehul'

આંગણું, પરસાળ ને ઉંબર હતાં,
સ્વપ્નમાં પણ શું મજાનાં ઘર હતાં.
ડેલીએ દીવાનગી ઝૂર્યા કરે,
જે ગયાં પગલાં ઘણાં સુંદર હતાં.
એમનાં કર્મોથી એ નશ્વર થયાં,
કર્મ જો કે મૂળ તો ઈશ્વર હતાં.
ગામને પાદર ભરેલી ભવ્યતા,
ગામ વચ્ચે કેટલાં પાદર હતાં.
એને આથમણી હવા ભરખી ગઈ,
આયનામાં સંસ્કૃતિના સ્તર હતા.
એ પછીથી મોરનાં પીછાં થયાં,
ભીષ્મની શય્યાનાં એ તો શર હતાં.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 2008
- આવૃત્તિ : 3