આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું
aam tamne hun bhale premno shaayar laagun

આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું
aam tamne hun bhale premno shaayar laagun
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

આમ તમને હું ભલે પ્રેમનો શાયર લાગું,
દર્દ સરખાવીને દેખો તો પયંબર લાગું.
કોઈને કામ ન આવે તો એ વૈભવ કેવો?
ચાહું છું, મોતી લૂંટાવીને સમંદર લાગું.
ફૂલ હોવાની ખુમારી છે મજાની મિત્રો!
દિન ખુદા એવા ન લાવે કે હું પથ્થર લાગું.
બંધ મુઠ્ઠીને એ પોરસ કે ફકીરી સારી,
ખુલ્લા હાથોને ધખારો કે સિકંદર લાગું.
ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી,
શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઈશ્વર લાગું.



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 419)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ