Aam J Tamari Yaad na Divso Vahi Gaya - Ghazals | RekhtaGujarati

આમ જ તમારી યાદના દિવસો વહી ગયા

Aam J Tamari Yaad na Divso Vahi Gaya

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
આમ જ તમારી યાદના દિવસો વહી ગયા
હરીન્દ્ર દવે

આમ જ તમારી યાદના દિવસો વહી ગયા,

તલખું, છતાં યે સાદના દિવસો વહી ગયા.

આજે ય એનું હૈયું દ્રવે છે મને સુણી :

એ ચૂપ રહે છે, દાદના દિવસો વહી ગયા.

આ શાણપણથી વાજ હું આવી ગયો પ્રભુ,

જાણે હવે વિવાદના દિવસો વહી ગયા.

એ રીતે હાસ્યથી હું સજાવું છું હોઠને

સૌને થતું વિષાદના દિવસો વહી ગયા.

ઉદ્ધત તમે ગણો તે હવે ઠીક લાગશે,

સંકોચ કે પ્રમાદના દિવસો વહી ગયા

સ્રોત

  • પુસ્તક : કવિતા - જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ