આખર ઘડી
aakhar ghadi
પરેશ દવે 'નિર્મન'
Paresh Dave 'Nirman'

ભાંગતી ઉમ્મીદની આખર ઘડી,
આપશે તમનેય ખોરી રેવડી.
દ્વાર અંદરથી ન તું ખખડાવ કે,
બ્હારથી એણે જ દીધી છે કડી.
કેટલા તાકા ઉકેલી બેઠો છું,
ને હવે વળતી નથી એક્કે ગડી.
હુંય ખોવાતો ગયો છું એટલું,
સોય ગંજીમાં કહો કોને જડી?
પરબડી સંભારતાં ડૂમો વળ્યો,
આભમાં ઊડી ગઈ પારેવડી.



સ્રોત
- પુસ્તક : બેરખો (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : પરેશ દવે
- પ્રકાશક : શોપિઝન
- વર્ષ : 2023
- આવૃત્તિ : 2