aakanth shwashi jaiye! - Ghazals | RekhtaGujarati

આકંઠ શ્વસી જઈયેં!

aakanth shwashi jaiye!

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
આકંઠ શ્વસી જઈયેં!
રાજેન્દ્ર શુક્લ

સામાં ય ધસી જઈયેં, આઘાં ય ખસી જઈયેં,

એકાદ મળે ક્ષણ તો ક્ષણમાં ય વસી જઈયેં!

આમે ય વીતવવાની છે રાત સરોવરમાં,

તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઈયેં!

એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,

હર શ્વાસ કસોટી છે, એને ય કસી જઈયેં!

આ ફીણ તરંગોના છે શીખ સમંદરની,

રેતાળ કિનારા પર હેતાળ હસી જઈયેં!

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,

હોવું ય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઈયેં!

સ્રોત

  • પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સર્જક : રાજેન્દ્ર શુક્લ
  • સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022