aajna manasni gajhal - Ghazals | RekhtaGujarati

આજના માણસની ગઝલ

aajna manasni gajhal

જવાહર બક્ષી જવાહર બક્ષી
આજના માણસની ગઝલ
જવાહર બક્ષી

ટોળાંની શૂન્યતા છું જવા દો, કશું નથી

મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને

ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી.

શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું

મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ

હું ઢોલ છું, પીટો, મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત

બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 220)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004