aagwa ajwasman shodhi shake to shodhje, hun tyan ja chhun - Ghazals | RekhtaGujarati

આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું

aagwa ajwasman shodhi shake to shodhje, hun tyan ja chhun

સુરેન્દ્ર કડિયા સુરેન્દ્ર કડિયા
આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું
સુરેન્દ્ર કડિયા

આગવા અજવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું

રામના વનવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્ચાં જ છું

હું ચડેલા પૂરમાં ક્યાંથી મળું? હું આવતો વરસાદ છું

છેક ઉપરવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું.

કોઈ અટકળ, કોઈ અફવા, કલ્પના કે ધારણામાં હું નથી

સત્યના સહવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું

એ જ નાની ટોપલીમાં એ જ યમુના પાર કરવી છે હજી

એ જ કારાવાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું

પારદર્શકતા ત્યજીને જીવ ઊંડે ઊતરી શકતો નથી

શ્વાસ કે ઉચ્છ્ર્વાસમાં શોધી શકે તો શોધજે, હું ત્યાં જ છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2006 (પૃષ્ઠ ક્રમાંક 94)
  • સંપાદક : વિનોદ જોશી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2009