aagha kinara - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આઘા કિનારા

aagha kinara

નિનુ મઝુમદાર નિનુ મઝુમદાર
આઘા કિનારા
નિનુ મઝુમદાર

અહીં ભાગ્ય મારું ને ઊંચે સિતારા,

કે મઝધાર પાસે છે આઘા કિનારા.

છું તરસ્યો છતાંયે નથી જાવું સામે,

ભર્યા છે સમંદર બેઉ પાર ખારા.

મહામહેનતે માર્ગ શોધ્યો જવાનો,

મળ્યા જ્યારે સામે સહુ આવનારા.

સદા સાફ રસ્તો કરીને હું ચાલું,

કે પાછળ હશે કોઈ દુશ્મન બિચારા.

મિલન થઈ ગયું તો પછી કોણ જોશે,

કયા પંથ તારા - કયા છે અમારા?

અમારી કથાની નથી કોઈ ભાષા,

કરું દિલથી વાતો મુખેથી લવારા.

સભા શાન્ત મૂકીને વચ્ચેથી ચાલ્યો,

‘નિરંજન’ની પાછળ ઘણા બોલનારા.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4