aa juunaan drug lai, duniya navii nakkor naa joii - Ghazals | RekhtaGujarati

આ જૂનાં દૃગ લઈ, દુનિયા નવી નક્કોર ના જોઈ

aa juunaan drug lai, duniya navii nakkor naa joii

નીરવ વ્યાસ નીરવ વ્યાસ
આ જૂનાં દૃગ લઈ, દુનિયા નવી નક્કોર ના જોઈ
નીરવ વ્યાસ

આ જૂનાં દૃગ લઈ, દુનિયા નવી નક્કોર ના જોઈ,

ઢળેલા સૂર્યની પાછળ ઉગમણી પહોર ના જોઈ.

થશે નાજુક અમારો સ્પર્શ, એવી ધારણા બાંધી,

અડ્યા ફૂલ-પાંખડીને, આંગળીના નહોર ના જોઈ.

તને જોયા કર્યો, જોયા કર્યો, બસ મીંટ માંડીને,

અવસ્થા શું હતી? દુનિયાને ચારેકોર ના જોઈ!

ગયો છું સેંકડો વેળા આ મારગથી મગર નીરવ,

કર્યો છે દરવખત અપરાધ, આ ગુલમહોર ના જોઈ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ