a nadi - Ghazals | RekhtaGujarati

ભેખડોને તોડતી આગળ વધે ને નદી!

ને એક અમથી કાંકરીથી થરથરેને નદી!

સંસ્કૃતિને બાવડું ઝાલી અને બેઠી કરી

ને પ્રદુષણના પ્રહારે તરફડે ને નદી!

વિસ્તરે તો શિવની આખી જટા ઓછી પડે

ને અંજલિમાં અલ્પ થઈને જે શમે ને નદી!

સ્વર્ગથી હડધૂત થઈને શ્રાપ પામી તે છતાં

પૃથ્વી પર સંજીવની થઈ અવતરે ને નદી!

વીફરે તો ગામમાં ગામો ઉદરમાં ઓરતી

ને રીઝે તો રક્ત થઈ નસમાં વહે ને નદી!

વિરહના અવસરે પણ સાથ દેવાની સદા

ગોપીઓના કાજળે કાળી પડે ને નદી!

ક્યાંથી નીકળી, ક્યાં જઈ, કોને મળેનું કામ શું

કોઈને પણ પાદરેથી નીકળેને નદી!

પિયરમાં વીરડી મીઠી બની રે’છે ‘અમીર’

છેવટે ખારાશને જઈને વરેને નદી!

સ્રોત

  • પુસ્તક : કવિતા, એપ્રિલ, ૧૯૯૫ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન