a murati ko' kon chhe? - Ghazals | RekhtaGujarati

એ મૂરતિ કો’ કોણ છે?

a murati ko' kon chhe?

મણિલાલ નભુભાઈ દ્વિવેદી મણિલાલ નભુભાઈ દ્વિવેદી
એ મૂરતિ કો’ કોણ છે?
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

(ભૈરવી)

આંસુડાં મારાં લુવે મૂરતિ કો’ કોણ છે?

ચાલે જગર પાણી થઈ, રોકનારું કોણ છે? આંસુડાં૦

જામો નિરંજન નામનો, હું પ્રેમનો ઘેલો ફકીર,

જામો ફકીરી, ટાળનારું કોણ છે? આંસુડાં૦

છે દુનિયાં! તો નિત્ય હો; ના, છે નહિ; તો શું જુઓ?

છે ખરી! ને છે નહિ : એનો દીવાનો કોણ છે? આંસુડાં૦

સાચો સદા છે પ્રેમ, જેશું દુનિયાં બાધી હરામ,

દુનિયાં પ્રેમે નથી, કો નીતિરીતિ કોણ છે? આંસુડાં૦

દુનિયાં પ્રેમે નથી, પણ પ્રેમની દુનિયાં હજાર,

વિરંચિ, વિષ્ણુ : વિનાનું કોણ છે? આંસુડાં૦

મારું નામ, એની શોધમાં ગુલતાન તાન,

દુનિયાં માનું ફના : એના વિના કોણ છે? આંસુડાં૦

એની મઝા અંતર્ મને, કે જાણે કોઈ પ્રેમીજન,

પામ્યો હું કે પામ્યો નહિ પૂછનારું કોણ છે? આંસુડાં૦

આંસુમાં મણિ! ભીની મીચી રો’ આંખડી,

ખોલનારાં દૂર રો’, ઝાળ ઝીલે કોણ છે? આંસુડાં૦

સ્રોત

  • પુસ્તક : મણિલાલ દ્વિવેદી સંચય (પૃષ્ઠ ક્રમાંક 172)
  • સંપાદક : ધીરુભાઈ ઠાકર
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002