Zoko - Geet | RekhtaGujarati

ભીના ભીના વાયરાનો જીવને લાગ્યો ઝોકો,

વાદળ સાથે વ્હેતા મારા મનને તો કોઈ રોકો!

ચમકી ઊઠી વીજળી ને મેઘધનુના રંગ,

રેલાયા રે રોમ રોમમાં અંતરિયે આનંદ!

ટીકી ટીકી જોયા કરતી કીકીઓને ટોકો,

વાદળ સાથે વ્હેતા મારા મનને તો કોઈ રોકો!

કાયામાં આવી બેઠો ચાતક કેરો કંઠ,

ઝીણો ઝીણો થતો રહે છે કશો કાળજે કંપ!

ધીમે ધીમે હવા ગુંજતી મેઘદૂતના શ્લોકો,

વાદળ સાથે વ્હેતા મારા મનને તો કોઈ રોકો!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980