hankari ja - Geet | RekhtaGujarati

હંકારી જા

hankari ja

સુન્દરમ્ સુન્દરમ્
હંકારી જા
સુન્દરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,

મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાનાં ઝાંઝરને પહેરી પધાર પિયા,

કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,

પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા

સોનેરી સોણલું બતાડી તું જા. મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,

દિલનો દડૂલો રમાડી તું જા,

ભૂખી શબરીનાં બોર બેએક આરોગી

જનમભૂખીને જમાડી તું જા. મારીo ૧૦

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,

સાગરની સેરે ઉતારી તું જા,

મનના માલિક તારી મોજના હલેસે

ફાવે ત્યાં એને હંકારી તું જા. મારીo

સ્રોત

  • પુસ્તક : વસુધા (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1939