zankhana - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધોળિયું ધજાયું જ્યાં  ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક
વાયુ રે ઢાળે વનના  વીંઝણા, જાવું છે  ત્યાં અચૂક
                          એવા રે મારગ અમે સંચર્યા.
ઊંચે રે મઢીથી ઊંચ મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી  ડુંગર  દેરડી,  વાદળગઢની  મોઝાર
                          એવા રે મારગ અમે સંચર્યા.
ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત
કેડી રે  વંકાણી  વેલી  સમી,  કપરાં  કરવાં   ચિત્ત
                          એવા રે મારગ અમે સંચર્યા.
પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ
પળમાં  લોપાતી  રે  દેરડી,  મળતી  લેંશ  ન ભાળ
                          એવા રે મારગ અમે સંચર્યા.
ખમા રે વાયુ ખમા  વાદળાં, ખમા  ડુંગરના  સ્વામ
તમ્મારે   દરશને    ઝંખના,   પૂરણ    કરજો  કામ
                          એવા રે મારગ અમે સંચર્યા.

સ્રોત

  • પુસ્તક : કાવ્યલહરી (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : તનસુખ ભટ્ટ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની, પબ્લિશર્સ લિમિટેડ
  • વર્ષ : 1955