jhaDawun jhure - Geet | RekhtaGujarati

ઝાડવું ઝૂરે

jhaDawun jhure

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
ઝાડવું ઝૂરે
મનોહર ત્રિવેદી

ગામથી દૂર

વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે

લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોખ્ય?

સાદ પાડે છે ક્યારની શેઢા દીમની લીલી ઓવ્ય

કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે

ટેકરી એના ઢાળને કહેઃ જાણજો એનું દુઃખ

પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ?

દૂરની નદી વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે

કૈંક ચોમાસાં જીરવ્યાં શીળા વાયરાઃ તીણા તાપ

મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ

–એ પીડાની પોટલી ખોલેઃ આમ થતું રે આમ થતું રે આમ થતું રે

વગડા વચ્ચોવચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે

સ્રોત

  • પુસ્તક : પ્રતીપદા (પૃષ્ઠ ક્રમાંક 178)
  • સંપાદક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2015